મારું તન મન ધન મારું વતન

1 05 2007

rabaritribe11_small.jpgમારું તન મન ધન મારું વતન
મારી ગઝલ મારું કવન મારું વતન
જે શેરીઓમાં વીત્યું મારું બચપન
જેની ધુળથી થયું જીવનું જતન
        મિત્રો ભલા કેમ વિસરી શકાશે?
       ગામનું પાદર એ ગામના ખેતર….મારું તન….

નહીં હોય માની મમતનો ફુવારો
ના માથે પિતાનો હાથ હુંફાળો
જાશે મિત્રોનો સહવાસ સુવાળો
ઠાલવીશ કયાં હું હૈયા બળાપો
      મારી રાતોની નીંદ જાશે છીનવી
      વાડ ઓથેથી ઉડતા ગભરું તેતર….મારું તન…
નહીં હોય હવે વાસંતી વાયરો
ને લીલાછમ તરુવરની કતારો
વાંચીશું છાપે મૌસમનો વરતારો
યંત્રવત બની જાશે આ જનમારો
       મારા શ્વાસ ગુંગળાવશે મિત્રો
       હરપલ ધુમાડો આંકતુ શહર….મારું તન…..

યાદ મિત્રોની રુદિયામાં રહેશે.
મન સદા ગામ ફ્ળીયામાં રહેશે.
ધુળની ડમરીઓ આંખોમાં રહેશે
વતન સદા એક લાખોમાં રહેશે.
      આંખના આંસુ ઠારશે મિત્રો
          ભડભડ હૈયું બળતું અંતર…મારું તન….