મને છે કોઈની મુંગી એવી દુવાએ માયોઁ.

10 06 2007

હ્રદય વચોવચ એક અફાટ રણ છે
પાંપણ ભીની થવાનું એજ કારણ છે.

સાંજ ઢળતાં જ આંગણે પાછી ફરે છે
ઇચ્છાઓ રાતીકાળી ગાયોનું ધણ છે.

એટલે તો સાચ ને આંચ આવતી નથી
દુનિયામાં છડેચોક જુઠનું ચલણ છે.

જિંદગીને એરણે ટીપે ગમે તે ઘાટ આપે
ઈશ્વવર કેરા હાથમાં ઈચ્છાનો ઘણ છે.

રોકવાના લાખ યત્નો છતાં દોટ મુકે છે
મારી નજરમાં એક એવું તરસ્યું હરણ છે.

હૈયે છે પણ હોઠે લાવી નથી શકતો
“નારાજ”ને કોના નામનું આવું વળગણ છે.

*************
તરસ્યા થયેલા મૃગને જેમ ઝાંઝવાએ માયોઁ.
મને બસ એજ રીતે તારી ઝંખનાએ માયોઁ.

લાખ શોધે કોઈ તોયે ના મળશે પુરાવા
મને છે કોઈની મુંગી એવી દુવાએ માયોઁ.

મારા આંસુ થકી જેનું મેં સિંચન ક્યુઁ”તું
એજ ચમનની મહેંકતી એવી હવાએ માયોઁ.

કહું છું તારા સમ ખાઈને સખી કહું છું,
વફાના રાહીને આજ છે વફાએ માયોઁ.

“નારાજ” આદી શરાબી છે એ વાત સાચી
મરે તો કદી ના કહેતા કે મયકદાએ માયોઁ.