આ તો કેવું ઋણાનુંબંધન….
24 06 2007Comments : 16 Comments »
Categories : ગુજરાતી બ્લોગ જગત
કેવું સારું તકદીરને બદલી શકાય તો
વિધાતા તુજ લકીરને ફેરવી શકાય તો
હવે જીદ છોડો તઘલખી વિચારો
રહો જો ઠરીઠામ રહી શકાય તો
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો
સજા છે તમારા સિતમની આટલી
કરો માફ ખુદને જો કરી શકાય તો
રક્તની સેરો સાથે ફુટ્યા છે શેર પણ્
ધરો વચ્ચે કોરો કાગળ ધરી શકાય તો
“નારાજ” આજે ખાખી વરદીમાં ભરો
ઈન્દ્રધનુષી રંગો તમથી ભરી શકાય તો
આંસુથી રણ વચ્ચે બરોબર ભર્યું છે
અમે ટીપે ટીપે સરોવર ભર્યું છે.
ઝાંઝવાને ઈર્ષા આજ આવે છે એની
સોણલું આભાસી જે લગોલગ ઉછેર્યું છે.
મહોતાજ છે કોણ કોનો ? કોને ખબર છે?
કોના હાથમાં ધુરા?કોણ ધરોહર બન્યું છે?
તક્તી લઈને કબર એની શોધવા નીકળ્યો છું
એક કવિને સન્માન મરણોત્તર મળ્યું છે.
“નારાજ” કેમ ભુલાય એ સાબરનો કાંઠો
કેડી કાંટાળી મેં એકેએક કોતર ખુદયું છે.
હ્રદય વચોવચ એક અફાટ રણ છે
પાંપણ ભીની થવાનું એજ કારણ છે.
સાંજ ઢળતાં જ આંગણે પાછી ફરે છે
ઇચ્છાઓ રાતીકાળી ગાયોનું ધણ છે.
એટલે તો સાચ ને આંચ આવતી નથી
દુનિયામાં છડેચોક જુઠનું ચલણ છે.
જિંદગીને એરણે ટીપે ગમે તે ઘાટ આપે
ઈશ્વવર કેરા હાથમાં ઈચ્છાનો ઘણ છે.
રોકવાના લાખ યત્નો છતાં દોટ મુકે છે
મારી નજરમાં એક એવું તરસ્યું હરણ છે.
હૈયે છે પણ હોઠે લાવી નથી શકતો
“નારાજ”ને કોના નામનું આવું વળગણ છે.
*************
તરસ્યા થયેલા મૃગને જેમ ઝાંઝવાએ માયોઁ.
મને બસ એજ રીતે તારી ઝંખનાએ માયોઁ.
લાખ શોધે કોઈ તોયે ના મળશે પુરાવા
મને છે કોઈની મુંગી એવી દુવાએ માયોઁ.
મારા આંસુ થકી જેનું મેં સિંચન ક્યુઁ”તું
એજ ચમનની મહેંકતી એવી હવાએ માયોઁ.
કહું છું તારા સમ ખાઈને સખી કહું છું,
વફાના રાહીને આજ છે વફાએ માયોઁ.
“નારાજ” આદી શરાબી છે એ વાત સાચી
મરે તો કદી ના કહેતા કે મયકદાએ માયોઁ.
વાદળોની ઘનઘોર ઘટા છે
તુજ ઝુલ્ફની લાગે છટા છે.
વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.
ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી
કુપળ થઈ ફુટે એશું ખુદા છે?
છત્રીને દઈ દો કોઈ દેશવટો
જાત ઢાંકનારા ઘણા બધા છે.
“નારાજ” કોને હું પેશ કરું
ભીની ગઝલમાં ભીની મજા છે
અમરતનો સર્જનારો છે એજ ઝેરનો છે પીનારો
સમજદારને કાફી છે ફક્ત એક જ ઈશારો
માણસને ડુબાડનારા વળી માણસને તારનારા
એના જ છે આચારો એના જ છે વિચારો
તું નહી સમજી શકે મને માફ કર હે ઈશ્વર
મહત્તા જિંદગી સમજી શકે મરણને ભેટનારો
આ જગત આખું પ્રેમમય બની જાય સાચે જ
માણસ બને જો ફક્ત માણસને ચાહનારો
ઈશ્વરે દીધેલા વર જરુર એરે જાય “નારાજ”
નીલું ના નેણમાં ચમકે જો તારા પ્રેમનો સિતારો
હોઠ પર નામ કોઈ રમવા લાગ્યું
ફુલ મોગરાનું એને ગમવા લાગ્યું
ગામના અલ્લડ છોરાની આંખમાં
એક કુંવારુ સપનું તરવા લાગ્યુ…હોઠ પર નામ
તીતરબીતર વાળ ઓળે છે આજકાલ
તોલી તોલીને બોલ બોલે છે આજકાલ
દિવસમાં દસ વાર દર્પણમાં જુવે છે.
એને આયનામાં કોણ મળવા લાગ્યું ….હોઠ પર નામ .
હૈયુ ના હાથમાં કેમ રહેતુ હશે?
બોલો એમાંથી શું શું વહેતું હશે?
મંદિરે આજકાલ ગગો દોડીને જાય
ઍનું લોહી સિંદુર થઈ દોડવા લાગ્યું…….હોઠ પર નામ
ભોળા છોરાને કાંય સમજાતું નોતુ
ક્શું કહેવાતુ નોતુ ને સહેવાતું નોતું
છોરી ઠેસ મારી વીજળી કરતીતીને
રોજ છોરાનું અંતર ભીંજાવા લાગ્યું ……….હોઠ પર નામ
એક છોકરાએ જવાની ડુલ કરી
છોરીને ચાહવાની ભુલ કરી
શું શરણાઈના સુરમાં રેલાવા લાગ્યું?
એક છોકરાનુ આયખું ઓગળવા લાગ્યું…….હોઠ પર નામ
મુકદર ક્યાં લઈ જશે એની ખબર નથી,
આમ મજધારે ડુબાડનાર કંઈ અવર નથી.
દોસ્તોની દુવાએ કેવા દઝાડ્યા જુઓ
દુશ્મનોની બદદુવામાંય એવી અસર નથી.
મારા ઘરમાં આગ ચાંપતાં વિચારજે જરી,
તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.
તને ભુલીને જ હું ભટકી ગયો રાહમાં,
આ તારી યાદ કે વિરહની અસર નથી.
જડમુળથી સુકાઈ રહયું છે મારું જીવનવૃક્ષ,
પીળા પડતાં પર્ણનું કારણ પાનખર નથી.
“નારાજ” નોતરી છે ઉદાસી અમે એવા ભાવથી,
મળે ખુશી તો કહેજો હવે એની કસર નથી.
ચાલ આજ એક એવી કરામત કરીએ
આપણે માણસ થઈને શરાફત કરીએ
આમ મતલબ વગરના માણસ આપણે
ને વાત મતલબ વગર ના બેમત કરીએ
અક્ષર થઇ અવતરે છે મુજ આંસુના કારણ
છંદ લય તાલની અમે નૈ પંચાયત કરીએ
પથ્થર એટલા દેવ ને પાણા એટલા પીર
અમે માણસ બીજું તો શું કુદરત કરીએ?
“નારાજ” રોજબરોજ ખાખી વર્દીમાં
“હાજી-નાજી”ની શિકાયત કરીએ
કોણ વસંતને ઓળખે છે કોણ રજબને ઓળખે છે?
આપણા આ શહેરમાં કોણ મજહબને ઓળખે છે ?
સાત સમંદર શું કામના એક તરસને છીપાવવા?
આંખ તરસ્યા જણની ફક્ત પરબને ઓળખે છે.
બુકાની બાંધી દોસ્તોયે કદી લુટયા નથી અમને
એ અમારાથી વધારે લાગે અમને ઓળખે છે.
કોણ કહે છે ખેંચાણ છે રુપમાં ને કરે દિવાના?
મધુકર તો મિત્રો ફકત મહેંક્ને ઓળખે છે.
લાખ ડગમગ લથડતા ભલે વાટ નહીં ભુલે
“નારાજ” રઝળપાટે રાહ કદમને ઓળખે છે.
Recent Comments