ફુલ મોગરાનું એને ગમવા લાગ્યું

26 05 2007

હોઠ પર નામ કોઈ રમવા લાગ્યું
ફુલ મોગરાનું એને ગમવા લાગ્યું
ગામના અલ્લડ છોરાની આંખમાં
એક કુંવારુ સપનું તરવા લાગ્યુ…હોઠ પર નામ

તીતરબીતર વાળ ઓળે છે આજકાલ
તોલી તોલીને બોલ બોલે છે આજકાલ
દિવસમાં દસ વાર દર્પણમાં જુવે છે.
એને આયનામાં કોણ મળવા લાગ્યું ….હોઠ પર નામ .

હૈયુ ના હાથમાં કેમ  રહેતુ હશે?
બોલો એમાંથી શું શું વહેતું હશે?
મંદિરે આજકાલ ગગો દોડીને જાય
ઍનું લોહી સિંદુર થઈ દોડવા લાગ્યું…….હોઠ પર નામ

ભોળા છોરાને કાંય સમજાતું નોતુ
ક્શું કહેવાતુ નોતુ ને સહેવાતું નોતું
છોરી ઠેસ મારી વીજળી કરતીતીને
રોજ છોરાનું અંતર ભીંજાવા લાગ્યું ……….હોઠ પર નામ

એક છોકરાએ જવાની ડુલ કરી
છોરીને ચાહવાની ભુલ કરી
શું શરણાઈના સુરમાં રેલાવા લાગ્યું?
એક છોકરાનુ આયખું ઓગળવા લાગ્યું…….હોઠ પર નામ              

Advertisements
તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી.

23 05 2007

મુકદર ક્યાં  લઈ   જશે એની ખબર નથી,

આમ મજધારે ડુબાડનાર કંઈ અવર નથી. 

દોસ્તોની  દુવાએ  કેવા  દઝાડ્યા  જુઓ

દુશ્મનોની બદદુવામાંય એવી અસર નથી. 

મારા ઘરમાં આગ ચાંપતાં વિચારજે જરી,

તારા ઘરથી અલગ સખી મારું ઘર નથી. 

તને ભુલીને જ હું ભટકી ગયો રાહમાં,

આ તારી યાદ કે વિરહની અસર નથી. 

જડમુળથી સુકાઈ રહયું છે મારું જીવનવૃક્ષ,

પીળા પડતાં પર્ણનું કારણ પાનખર નથી. 

નારાજ” નોતરી છે ઉદાસી અમે એવા ભાવથી,

મળે ખુશી તો  કહેજો  હવે  એની  કસર નથી.

ચાલ આજ એક એવી કરામત કરીએ

20 05 2007

ચાલ   આજ   એક   એવી  કરામત  કરીએ 

આપણે  માણસ   થઈને   શરાફત    કરીએ 

આમ  મતલબ વગરના  માણસ    આપણે  

 ને વાત  મતલબ  વગર  ના  બેમત કરીએ 

અક્ષર થઇ અવતરે  છે મુજ  આંસુના  કારણ

છંદ લય  તાલની  અમે  નૈ પંચાયત કરીએ 

પથ્થર  એટલા  દેવ   ને પાણા એટલા પીર

અમે  માણસ  બીજું તો  શું   કુદરત કરીએ? 

નારાજ”  રોજબરોજ   ખાખી     વર્દીમાં

હાજી-નાજી”ની      શિકાયત       કરીએ

આંખ તરસ્યા જણની ફક્ત પરબને ઓળખે છે.

13 05 2007

scan00061.jpgકોણ વસંતને ઓળખે છે કોણ રજબને ઓળખે છે?
આપણા આ શહેરમાં કોણ મજહબને ઓળખે છે ?
સાત સમંદર શું કામના એક તરસને છીપાવવા?
આંખ તરસ્યા જણની  ફક્ત પરબને ઓળખે છે.
બુકાની બાંધી દોસ્તોયે કદી લુટયા નથી અમને
એ અમારાથી વધારે લાગે  અમને ઓળખે છે.
કોણ કહે છે ખેંચાણ છે રુપમાં ને કરે  દિવાના?
 મધુકર તો  મિત્રો  ફકત  મહેંક્ને ઓળખે છે.
લાખ ડગમગ લથડતા  ભલે વાટ નહીં  ભુલે
“નારાજ” રઝળપાટે રાહ કદમને ઓળખે છે.

મીરાંનો વખ કટોરો ને રાધાનું એક આંસુ

6 05 2007

મીરાંનો વખ કટોરો ને રાધાનું એક આંસુ

થાશે વીજ ચમકારો તો પાનબાને પા”શું 

તોરી  રાણીના  વેણની કટાર  થઈ  રોજ

રામા   જીવતા  જેસલને   ઉરે   ભોંકાશું   

પ્રીતના  પંથે  એટલા વધીશું  આગળ કે

દીધા  નથી  એવા  વચન  થઈ  પળાશું   

મોહન  થવાનું  માન  અમનેય  આપી  દો 

જો  જો  પછી  તુલસીના  પાંદડે  તોલાશું     

 “નારાજ” આજે  લોહીનું  પાણી  કયુઁ  છે.

 કાલ  કરશે  કોઈ  વાહ  વાહ  ને  વંચાશું. 

તારી અભણ આંખમાં વાંચી છે.

3 05 2007

28450015_s_.jpgવાળી સજન જે અંબોડે બાંધી છે.

તારી અભણ આંખમાં વાંચી છે.

તારા ભોળપણ સમ સાથી સાચે

બેસી પલકની  છાંવમાં  રચી છે.

તારી ક્સમ આ એજ ગઝલ છે…… તારી અભણ આંખમાં વાંચી છે.

લાગણી ના મહોતાજ ભણતરની

લ્યે ગણી ધકકન આપણી સમજણની

ક્યાં મારામાં બચ્યો છું હું હવે તો

ક્યાં તારામાં સખી હવે તું બચી છે.

તારી ક્સમ આ એજ ગઝલ છે…. તારી અભણ આંખમાં વાંચી છે.

આપણા સહીયારા સપનાનું ઘર આ

કદી ફરજીયાત ઉપવાસોનું નગર આ

આપણી તરસની સુકી નદીના કાંઠે

બાવળની તલક છાંવમાં ચુમી છે

તારી ક્સમ આ એજ ગઝલ છે….. તારી અભણ આંખમાં વાંચી છે.

દુઃખ દરદ ઘાવ સહી લઈશું આપણે

વ્હાલપની ઢાલ ધરી દઈશુ આપણે

અંધારી રાતે તારલાના તેજમાં

કંઇ કેટલીયે રાતો અજવાળી છે

તારી ક્સમ આ એજ ગઝલ છે….. તારી અભણ આંખમાં વાંચી છે.

મારું તન મન ધન મારું વતન

1 05 2007

rabaritribe11_small.jpgમારું તન મન ધન મારું વતન
મારી ગઝલ મારું કવન મારું વતન
જે શેરીઓમાં વીત્યું મારું બચપન
જેની ધુળથી થયું જીવનું જતન
        મિત્રો ભલા કેમ વિસરી શકાશે?
       ગામનું પાદર એ ગામના ખેતર….મારું તન….

નહીં હોય માની મમતનો ફુવારો
ના માથે પિતાનો હાથ હુંફાળો
જાશે મિત્રોનો સહવાસ સુવાળો
ઠાલવીશ કયાં હું હૈયા બળાપો
      મારી રાતોની નીંદ જાશે છીનવી
      વાડ ઓથેથી ઉડતા ગભરું તેતર….મારું તન…
નહીં હોય હવે વાસંતી વાયરો
ને લીલાછમ તરુવરની કતારો
વાંચીશું છાપે મૌસમનો વરતારો
યંત્રવત બની જાશે આ જનમારો
       મારા શ્વાસ ગુંગળાવશે મિત્રો
       હરપલ ધુમાડો આંકતુ શહર….મારું તન…..

યાદ મિત્રોની રુદિયામાં રહેશે.
મન સદા ગામ ફ્ળીયામાં રહેશે.
ધુળની ડમરીઓ આંખોમાં રહેશે
વતન સદા એક લાખોમાં રહેશે.
      આંખના આંસુ ઠારશે મિત્રો
          ભડભડ હૈયું બળતું અંતર…મારું તન….