આ આંસુઓ એ વાતની ગવાહી છે

20 01 2008

આ આંસુઓ એ વાતની ગવાહી છે

કે  લાગણીઓ હ્રદયની પ્રવાહી છે

કોરી ગાગર જેમ દિલે ક્શું ઝમે સખી 

 તો પહેલા પ્રેમની પહેલી નિશાની છે   

કાંટાળી હશે ભલે વાડ એ  વિઁટળાશે

આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !? 

છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર

ખુદાના હોવાનીય  આવી કહાની છે    

નારાજ એના  રૂપને શું ઉપમા ? શું રૂપક? 

 જે  ઓઢે નીલુ  એ હર ઓઢણી સુહાની છે

Advertisements
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

12 01 2008

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને પાંપણે મૂક્યા પહાડ

જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે

છાતીમાં પડી ગઈ તિરાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

છાતીમાં પડી ગઈ તિરાડ

 

ખંડેરમાં પડઘાતું મારું એકાંત ને

પડઘે થરથરતાં કાંટાળાં ઝાડ

વાત તારી માંડે જ્યાં મૂંગા પથ્થરો

તૂટતી જાય એકએક નાડ

આંખોમાં રોપ્યા તે લીલીડાં સપના    

ને છાતીમાં પડી ગઈ તિરાડ

 

હૈયા સરખો ચાંપી દે મને

વરસાવી દે સઘળા વ્હાલ

કાળા વાદળની છાતી ચીરીને

પછી આંજી દે ઉજળો ઉઘાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને છાતીમાં પડી ગઈ તિરાડ