અર્પણ રક્ષાબંધને માલધારી બેનોને

16 08 2008

                                                    અમારા ચરણ સાથે હજીયે  સફરમાં છે મારગ

 જીવતરના સારા-નરસા અવસરમાં છે મારગ  

 

 

 

 આ ક્યાં ઘડીની વાત છે યુગોની છે રઝળપાટ

 હજી મારગમાં ઘર અમારું ને ઘરમાં છે મારગ

 

 

 

 

 

 ખડ ખૂટ્યાની વેદના ભલા તમને શી ખબર?

 આંસુ નહીં અહીં આંખની દડદડમાં છે મારગ

 

 

 

 અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર

 ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ

 

 

 

ભાતીગળ સંસ્કૃતિના છપાવે છે પ્રચારમાં ચિત્રો

જાગો  નારાજ બની રહયો છે કેલેન્ડરમાં મારગ

Advertisements
એની આંખોમાં ઘણું લખેલું હતું

14 08 2008

એની આંખોમાં ઘણું લખેલું હતું

પ્રેમના પાઠ કોણ  ભણેલું    હતુ.

 

 

 

અમે તોફાનો સાથે  બાથ લીધી

ને  હંફાવી ગયું    હલેસું હતું

 

 

 

હું  ચાહું  છું  તને ચાહું છું ભલા

આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું

 

 

 

રાત  આખી  અડીખમ  અંધારુ

પલકોમાં  ઉષાની  ઝુકેલું  હતું

 

 

 

બંધ આંખે બદલી દિશા ચાલ્યો

ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું

 

 

 

નારાજ આજે ડંખે છે નસેનસમાં

જે  કાલે લોહી સાથે વણેલું હતું

 

 

એક મહોરા પર બીજું મહોરું છે

3 08 2008

દિવસ અને રાત સતાવે મને તારી યાદ સતાવે

જુદાઈનો ગમ નથી દોસ્ત છેલ્લો એ સંવાદ સતાવે

તું કોરી રહી શકીના હુંય ના ભીંજાયો નખશિખ

ફરફર વરસી બેઉને લુચ્ચો આ વરસાદ સતાવે.

88888888888888888888888888888888888888888888

એક મહોરા પર બીજું મહોરું છે

દુ:ખ એજ વાતનું દોસ્ત મને દોહરું છે.

 

ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો

મારામાં બ્લેક હોલ નામે બાકોરું છે.

 

કેટલીય ભીની પળોને મેં સાચવી છે

કોરી આંખોમાં શમણું તોયે કોરું છે.

અંતર મળ્યા પછી અંતર રાખે છે ઘણા

બેસે હાથમાં દઈ હાથ અડોઅડ એવું થોડું છે.

એને દુનિયાદારીનું ભાન ક્યાંથી હોય દોસ્તો

નારાજ તો હજી આજકાલનું છોરું છે.

 

 

 

આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી

17 06 2008

ના ભાંગ ના ગાંજો  ના ચરસ પીધી હતી
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી

 

સુરજ સાખે દેતુ”તુ કોઈ ચાંદની ના સમને
મેં તમારી કસમ રાત દિવસ પીધી હતી

 
મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી.

 
ઈશ્વર વિશે એકદિ ઈશ્વરને પુછી બેઠો હતો
પીઠામાં બેસી સામસામે અરસપરસ પીધી હતી.

 
“નારાજ”ની નારાજગીના કારણ રુપાળાં છે
એણે રાત ઉજાગર કરવા તમસ પીધી હતી.

 

ના મારે નથી ખાવો ..

25 02 2008

pic2.jpg                                                                                                                                ના મારે નથી
ખાવો ..
આ માવો – મીઠાઈ – આ બાસુદી
મને ના ઉતરે ગળે …
મને ના ખપે કોઈ ભોગે……
એ જોઉં છું ને …
મને યાદ આવે છે………
મારી માના વાસીદુ વાળતાં ..
છાણ – ઝરણ યુક્ત હાથ…!!!!!!
ને હું ડુબી જાઉં છું
ગહેરા શોકમાં !!!!!!!
આ એ.સી.દુકાનો
આ મોઁઘીદાટ આરસીઓ …
હમણાં જ તરડાઈ જાય …!!
જોઈ શકે ..જો ..મારી બેનના
પગની પાની એ પડેલ
વાઢીયા……..!!!!!!!

આ આંસુઓ એ વાતની ગવાહી છે

20 01 2008

આ આંસુઓ એ વાતની ગવાહી છે

કે  લાગણીઓ હ્રદયની પ્રવાહી છે

કોરી ગાગર જેમ દિલે ક્શું ઝમે સખી 

 તો પહેલા પ્રેમની પહેલી નિશાની છે   

કાંટાળી હશે ભલે વાડ એ  વિઁટળાશે

આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !? 

છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર

ખુદાના હોવાનીય  આવી કહાની છે    

નારાજ એના  રૂપને શું ઉપમા ? શું રૂપક? 

 જે  ઓઢે નીલુ  એ હર ઓઢણી સુહાની છે

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

12 01 2008

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને પાંપણે મૂક્યા પહાડ

જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે

છાતીમાં પડી ગઈ તિરાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

છાતીમાં પડી ગઈ તિરાડ

 

ખંડેરમાં પડઘાતું મારું એકાંત ને

પડઘે થરથરતાં કાંટાળાં ઝાડ

વાત તારી માંડે જ્યાં મૂંગા પથ્થરો

તૂટતી જાય એકએક નાડ

આંખોમાં રોપ્યા તે લીલીડાં સપના    

ને છાતીમાં પડી ગઈ તિરાડ

 

હૈયા સરખો ચાંપી દે મને

વરસાવી દે સઘળા વ્હાલ

કાળા વાદળની છાતી ચીરીને

પછી આંજી દે ઉજળો ઉઘાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને છાતીમાં પડી ગઈ તિરાડ